Prabhuvani 3.39

Petlad,
India

About Prabhuvani

Contact Details & Working Hours

Details

પ્રસ્તાવના
પ્રભુવાણી : આપણો આધાર
ઇશ્વરનાં વચનો – પ્રભુવાણી –અમૂલ્ય છે. સંસારની કોઇપણ ચીજવસ્તુ કે ધનસંપત્તિની એની આગળ કશી વિસાત નથી.

જૂના કરારમાં પ્રભુ આમોસના મુખે આ વચનો સંભળાવે છે, “ હું દેશમાં દુકાળ મોકલીશ. લોકોને ભૂખ લાગશે, પણ રોટલાની ભૂખ નહિ; તરસ લાગશે પણ પાણીની નહિ; પ્રભુની વાણી સાંભળવાની ભૂખ અને તરસ લાગશે. લોકો પ્રભુની વાણીની શોધમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્વિમ સુધી ભટકશે, પણ તેમને મળશે નહિ.’’

પ્રભુ દરરોજ પરમપૂજામાં ધર્મસભાના મુખે પોતાની વાણી આપણને સંભળાવે છે. એને આપણે દૈનિકશાસ્ત્ર પાઠ તરીકે ઓળખીએ છે. પ્રભુવાણીની ઉદ્દઘોષણા પછી ઉદ્દઘોષક બોલે છે – ‘આ પ્રભુની વાણી છે’ અને સૌ ભક્તજનો પ્રત્યુત્તરમાં ‘એ આપણો આધાર છે’ એમ ઉચ્ચારે છે.

ધર્મસભાની ઉપાસનાવિધિનું ત્રણ વર્ષનું ચક્ર હોય છે. પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં અને ત્રીજા વર્ષમાં પરમપૂજા દરમ્યાન દરરોજ, રવિવાર તેમજ મહાપર્વો (જેવા કે નાતાલ, તપઋતુ, પાસ્ખા વગેરે) ના દિવસે વાંચવાના શાસ્ત્રપાઠોનું આયોજન ખૂબ ચોક્ક્સ અને વ્યવસ્થિત રીતે રોમમાંથી એ માટેની સમિતિ દ્ધારા થતું હોય છે.

સામાન્ય દિવસોમાં બે શાસ્ત્રપાઠ અને રવિવાર કે મોટા તહેવારોના દિવસે ત્રણ શાસ્ત્રપાઠ વાંચવામાં આવે છે. પહેલો અને બીજો શાસ્ત્રપાઠ જૂના કરારમાંથી, પ્રેષિતોનાં ચરિત અથવા સંત પાઉલ કે અન્ય પ્રેષિતોએ લખેલા પત્રોમાંથી પસંદ કરવામાં આવે છે અને ધર્મજનો ( Laity ) દ્ધારા વાંચવામાં આવે છે. એ પછીનો શાસ્ત્રપાઠ નવા કરારમાંથી, કોઇ પણ એક શુભસંદેશમાંથી પસંદ કરેલો હોય છે, જે પરમપૂજા અર્પણ કરતા પુરોહિત વાંચે છે.

રવિવારની પરમપૂજાઓમાં શાસ્ત્રપાઠોને કેન્દ્રમાં રાખીને જ પુરોહિત ધર્મજનોને બોધ આપે છે અથવા ભગવાન ઇસુનો સંદેશ પાઠવે છે. બે હજાર વર્ષ પૂર્વે કે એથી પણ પહેલાં પયગંબરોના મુખે કે ભગવાન ઇસુના મુખે ઉચ્ચારાયેલાં વચનો વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં ક્યાં-કેટલાં લાગુ પડે છે તેનું મનન-ચિંતન કરવામાં આવે છે.

શાસ્ત્રનાં પઠન અને મનન–ચિંતન શા માટે એવો પ્રશ્ન જ અસ્થાને છે. કોઇ પૂછે કે દરરોજનો આહાર શા માટે ? સવારનો નાસ્તો કે બપોરનું ભોજન યા સાંજનું વાળુ શા માટે? જવાબ છે, શરીર એટલે જીવન ટકાવવા માટે. આ ભૌતિક દેહ ભૌતિક આહાર વિના ટકી ન શકે એ સૌ કોઇને વિદિત છે. તો પ્રાર્થના, બાઇબલ વાચન અને એનાં મનન ચિંતન આધ્યાત્મિક ખોરાક છે, જે આત્માને પોષે છે, જીવન બક્ષે છે.

પ્રભુ ઇસુ કહે છે – “સ્વર્ગથી ઊતરી આવેલી રોટી હું છું. જે કોઇ આ રોટી ખાય છે તે અનંત જીવન પ્રાપ્ત કરે છે.” આગળ કહે છે – ‘‘હું જ માર્ગ, જીવન અને સત્ય છું.” આથી પ્રભુવાણીનું પઠન અને મનન –ચિંતન અનંત જીવનની આ યાત્રામાં આપણા પથદર્શક બની આપણને ઊંડા અંધારેથી પરમપ્રકાશમાં, અસત્યમાંથી પરમ સત્ય પ્રતિ અને મહામૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાય છે.